Sunday 14 July 2013

दु:संगो भावनाशक:

दु:संगो भाव नाशक:
મહાપ્રભુજી શ્રીવલ્લભાચાર્યજીએ "जीवाः स्वभावतो दुष्टा..." (બાલબોધ ૧૬) કહી ને જીવની સ્વાભાવિક દુષ્ટતાનો વિષય સ્પષ્ટ કર્યો છે. જીવની આ સ્વભાવગત દુષ્ટતાની નિવૃત્તિ માટે શ્રીમહાપ્રભુજીએ ભગવદાજ્ઞાથી જીવોને બ્રહ્મસંબંધ કરાવવાની પરંપરાનો પ્રારંભ કર્યો.
वस्तुतः विशुद्ध् ब्रह्म અર્થાત શ્રીકૃષ્ણ. એવા શ્રીકૃષ્ણની સાથે બ્રહ્મસંબંધ દ્વારા ભાવાત્મક સંબંધ થતા જીવોની દુષ્ટતા નિવૃત થાય છે, તે જીવ ના સ્વભાવગત દોષ દૂર થાય છે, તેનું અંત:કરણ શુદ્ધ બને છે તેમજ તે જીવ ને પ્રભુ પ્રત્યે સ્નેહ ની ઉત્પત્તિ થાય છે.
અહીં શંકા થવી સ્વાભાવિક છે કે બ્રહ્મસંબંધ થયા પછી પણ ઘણા જીવોને ભગવદ અનુભવ નથી થતો તેનું કારણ શું?
કૃષ્ણદાસ મેઘને જ્યારે આ જ પ્રશ્ન શ્રીવલ્લભ સન્મુખ કર્યો ત્યારે આપે શંકા નિવારણ કરતા આજ્ઞા કરી - "બ્રહ્મસંબંધ થયા પછી પણ પોતાની અહંતા-મમતા એટલે કે અહંકાર અને સત્તાનું સમર્પણ કર્યું નથી - હવે હું દાસ થયો, પ્રભુ જ મારા સ્વામિ છે અને હું એમના આધીન છું અને પ્રભુ જે કરે તે જ સર્વોપરી સિદ્ધાંત છે તે ભેદ હજી તેણે જાણ્યો નથી...પોતાને જ યોગ્ય જાણી ભગવદીયોનો સંગ કરતો નથી. પોતાને શ્રેષ્ઠ જાણે તો પ્રભુ અપ્રસન્ન થાય છે. આ માર્ગ તો દીનતાનો છે..." (કૃષ્ણદાસ મેઘન વાર્તા ૮૪|૨)
આવી પરિસ્થતિમાં નથી જીવના સ્વભાવગત દોષોની નિવૃત્તિ થતી, કે નથી થતો સ્વાભાવિક દુષ્ટતાથી છુટકારો.
મહાપ્રભુ શ્રીહરિરાયજી ના વચન અનુસાર “प्रीति शून्यो महादुष्ट:” જે જીવ ભગવદ્પ્રેમથી રહિત છે તેમને મહાદુષ્ટ કહેવામાં આવ્યા છે. આવી વ્યક્તિઓનો સંગ એજ દુ:સંગ કહેવાય છે કે જે સર્વ પ્રકારે ભગવદ્ભાવ નાશક છે. તદુપરાંત આવા ભગવદ્વિમુખ જીવોનો સંગ ક્લેશ-કારક અને સંતાપ આપનારો અને ભગવદ્ધર્મથી વિમુખ કરનારો કહ્યો છે.
ભગવદ્વિમુખ જીવ (૧.) કર્મદુષ્ટ (૨.) જ્ઞાનદુષ્ટ અને (૩.) ભાવદુષ્ટ ના ભેદથી ત્રણ પ્રકારના કહેલા છે કે જેમની દુષ્ટતા વિષેની સમજણ (૧.) આધિભૌતિક (૨.) આધ્યાત્મિક (૩.) આધિદૈવિક આ ત્રણ શ્રેણીયો દ્વારા આપવામાં આવી છે.
 • આધિભૌતિક દુષ્ટ: આ જીવ ક્રિયાથી દુષ્ટ હોય છે - દુષ્કર્મમાં જ એની ગતિ છે અને દુરાચરણ એની પ્રવૃત્તિ છે. તે પોતાના દુર્વચનોથી સર્વને કષ્ટ પહોંચાડે છે. આવો જીવ પણ કોઈ સદાચારી વ્યક્તિનો સંગ કરે તો સમયાંતરે પોતાના ક્રિયા અને આચારને શુદ્ધ કરી સુધરી જાય છે.
 • આધ્યાત્મિક દુષ્ટ: આ જીવ જ્ઞાન થી દુષ્ટ હોય છે. આ જીવને યથાર્થ જ્ઞાન નહિ પરંતુ અધૂરું જ્ઞાન જ હોય છે. આવો દુષ્ટ શાસ્ત્ર, સિદ્ધાંત, આચાર્ય-વચન ના નામે પોતાને અનુકુળ હોય તેવા મનમાન્યા અર્થઘટન કરી પોતાના અંગત સ્વાર્થને સંતોષે છે. તેનું જ્ઞાન વિપરીત અને તદુપરાંત તે સત્સંગ, ચર્ચા દરમિયાન અન્ય ભગવદીય સાથેના વ્યવહારમાં પણ પોતે જ શ્રેષ્ઠ છે તેવું  પ્રમાણિત કરવાનો મિથ્યા પ્રયત્ન કરે છે - ગુરુજનોથી જીવને દૂર કરવાનો તેનો સતત પ્રયાસ હોય છે. જ્ઞાનના અહંકારમાં અન્યના સાચા મતને સન્માનિત કરવાને બદલે પોતાના જ અજ્ઞાનભર્યા વિચારને પ્રસારિત કરવાનો દુરાગ્રહ રાખે છે. આવો દુષ્ટ પણ દીનતા સભર ભગવદીયોનો સત્સંગ પ્રાપ્ત કરે, ભગવદીયોનું આચરણ જાણે અને ભગવદ્કથાનું શ્રવણ કરી ક્રમશ: સુધરી જાય છે. આ રીતે જ્યારે વૈષ્ણવતાના માર્ગ પર ચાલતો, ગુરૂ-કૃપાથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થતા તે જ્ઞાન દુષ્ટતાથી મુક્ત થાય છે.
 • આધીદૈવિક દુષ્ટ: આ જીવ ભાવથી દુષ્ટ હોય છે. તે સત્ય જાણતા હોવા છતાંય તેનો સ્વીકાર કરતો નથી. ગુરુનો દ્રોહ અને ભગવદીયોની ઈર્ષા કરે છે. દેખાવ પૂરતાં શિષ્ટાચારની આડમાં પોતાની દુષ્ટતા સંતાડી રાખે છે - બહારથી પોતાને મિતભાષી અને વિનયશીલ દર્શાવી અન્યના ભગવદ્ભાવમાં વ્યાઘાત કરતા રહેવાનો તેનો સ્વભાવ હોય છે. આવા જીવ ભગવદ્પ્રેમથી સર્વથા રહિત હોય છે તેથી તેને મહાદુષ્ટ કહેવાય છે. આ કોઈપણ સંજોગોમાં પોતાની બહિર્મુખતાનો ત્યાગ કરવા માગતો નથી - ભગવદીયોના સંગનો પણ તેના પર કોઈ પ્રભાવ હોતો નથી.
વૈષ્ણવોએ આ ત્રણેય પ્રકારની દુષ્ટતા અને દુષ્ટ જીવોથી સાવધાન રહેવું જોઈએ, અને વિશેષ કરી આ જે ત્રીજા પ્રકારના ભાવ-દુષ્ટ જીવનો સંગ તો સર્વથા ત્યજવો જ જોઈએ. તેના પાખંડને ન સમજતા, દેખાવ માત્રથી આકર્ષિત થઈ સત્સંગની જગ્યાએ ઘોર દુસંગમાં ફસાઈ જવાનો ભય સદા રાખવો.

2 comments:

 1. દંડવત પ્રણામ જે જે.
  અતિ સુંદર વચનામૃત આપે આજ્ઞા કરી છે.આપના આશીર્વાદ થી દુઃસંગ થી સદા બચતા રહીએ એ વિનંતી.

  ReplyDelete
 2. પ.ભ.અંકુર,શુભાશિષ, ભગવદ નામ લેવાથી દુ:સંગ દૂર રહે છે.તો બને એટલો અષ્ટાક્ષર કરવો. નવનીત બાવા

  ReplyDelete